સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડાની વિદ્યાર્થીની પૂનમ રાજપુરોહિતે યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું વટવૃક્ષ બની શૈક્ષણિક સિદ્ધિઓમાં અગ્રેસર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. કોલેજના તૃતીય વર્ષ **બી.એ. (અંગ્રેજી મુખ્ય વિષય)**ની પ્રતિભાશાળી વિદ્યાર્થીની કુમારી પૂનમ રાજપુરોહિતે સમગ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી કોલેજનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.

આ ઉપરાંત, કોલેજ ખાતે તેમની “Student of the Year – 2025-26” તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. તેમની આ બમણી સિદ્ધિ સમગ્ર કોલેજ પરિવાર માટે વિશેષ ગૌરવની બાબત બની છે.

પૂનમ રાજપુરોહિતની આ સફળતા તેમની મહેનત, લગન, શિસ્ત અને શૈક્ષણિક પ્રતિભાનું ઉત્તમ પરિણામ છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

અન્ય બે વિદ્યાર્થીનીઓએ પણ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

કોલેજ માટે વધુ એક ગૌરવની બાબત એ છે કે કુમારી પૂનમ રાજપુરોહિતે Minor-VI : Sanskrit – VI : Sanskrit Gadya Sahitya (Katha) વિષયમાં 44.00/50.00 ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

તે જ રીતે, કોલેજની અન્ય તેજસ્વી વિદ્યાર્થીની કુમારી અવતાર અનિતાએ Minor-VI : Sociology – VI : Sociology of Woman વિષયમાં 44.00/50.00 ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

એક જ પરીક્ષામાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વિષયોમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું એ સમગ્ર કોલેજ પરિવાર માટે આનંદ અને ગૌરવની બાબત છે.

આ સિદ્ધિઓ વિદ્યાર્થીઓની પ્રતિભા સાથે સાથે કોલેજના ગુણવત્તાયુક્ત શિક્ષણ, સતત માર્ગદર્શન અને શૈક્ષણિક વાતાવરણનું પણ પ્રતિબિંબ છે.

આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી મનોજકુમાર પી. પટેલ, અધ્યાપકગણ તથા સમગ્ર કોલેજ પરિવારે કુમારી પૂનમ રાજપુરોહિત અને કુમારી અવતાર અનિતાને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.